શામળા ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી
શિક્ષકની ભૂમિકા નિભાવી ધોરણ 8ની દીકરીઓએ એક દિવસ માટે સંભાળી શાળાની જવાબદારી
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે ધોરણ 8ની દીકરીઓએ એક દિવસ માટે શિક્ષક તેમજ પ્રિન્સીપાલની ભૂમિકા નિભાવી શાળાના વિવિધ શૈક્ષણિક અને વહીવટી કાર્યોની જવાબદારી સંભાળી હતી.
આ પ્રસંગે દીકરીઓએ શાળાની પ્રાર્થના સભા, શિક્ષણ કાર્ય તેમજ મધ્યાહન ભોજનની દેખરેખ સહિતની કામગીરી ઉત્સાહપૂર્વક હાથ ધરી હતી. મધ્યાહન ભોજન દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તમામ બાળકો હાથ-પગ ધોઈને જમવા બેસે તેની કાળજી લેવામાં આવી હતી. ઉપરાંત બાળકોના વાળ, નખ અને શરીરની સ્વચ્છતા અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.
શિક્ષકની ભૂમિકાને વધુ જીવંત બનાવવા માટે તમામ દીકરીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાડી પહેરીને શિક્ષિકાનું પરિધાન ધારણ કર્યું હતું અને વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. દીકરીઓએ ખૂબ જ આત્મવિશ્વાસ અને જવાબદારીપૂર્વક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી.
એક દિવસ માટે શિક્ષક અને પ્રિન્સીપાલ બનીને કામગીરી કરતાં દીકરીઓને શિક્ષકોની દૈનિક જવાબદારીઓ, વર્ગખંડ સંચાલન, બાળકોની શિસ્ત, સ્વચ્છતા, શિક્ષણ કાર્ય અને વિવિધ વ્યવસ્થાકીય પડકારોનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો. આ અનુભવથી દીકરીઓને “શિક્ષક બનવું માત્ર ભણાવવાનું નહીં, પરંતુ અનેક જવાબદારીઓ નિભાવવાનું કાર્ય છે” તેની અનુભૂતિ થઈ હતી.
આ અનોખી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, જવાબદારીની ભાવના, આત્મવિશ્વાસ, શિસ્ત અને શિક્ષક પ્રત્યે સન્માન જેવા ગુણો વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
શામળા ફળિયા પ્રાથમિક શાળાનો આ નવતર પ્રયાસ શિક્ષક દિનની ઉજવણીને યાદગાર બનાવવાની સાથે વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી અને જીવનોપયોગી અનુભવ બની રહ્યો હતો.















0 Comments